12 જૂને (ગુરૂવાર) અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 મુસાફરો સહિત અત્યાર સુધીમાં કુલ 278 લોકોના દુખદ નિધન થયા છે. ત્યારે ગઈકાલે ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે (16 જૂન)ના રોજ 11:30 વાગ્યે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવશે, પછી સાંજે 5 વાગ્યે રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે. ગુજરાત સરકારે તેમના માનમાં 16 જૂન, 2025 (સોમવાર) ના રોજ એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે.
વિજય રૂપાણીના પાર્થિવ દેહને લેવા માટે વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી, પુત્ર ઋષભ રૂપાણી, રાધિકા રૂપાણી, નીતીન ભારદ્વાજ અને પરિવારના અન્ય સભ્યો ગાંધીનગરથી સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ મેયર અને ભાજપના ધારાસભ્યો હાજર છે. વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટથી ચાર્ટર પ્લેન મારફતે રાજકોટ લઇ જવાશે. અમદાવાદ એરપોર્ટ ખાતે ઠેર-ઠેર પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
- 17 જૂને રાજકોટના રેસકોર્સ ખાતે બપોરે 3થી 6 વાગ્યે પ્રાર્થના સભાનું આયોજન
- 19 જૂને ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 9 થી 12 વાગ્યે પ્રાર્થનાસભા યોજાશે
- 20 જૂને ભાજપ કાર્યાલય ખાતે સાંજે 4 થી 6 વાગ્યે પ્રાર્થના સભાનું આયોજન કરાશે.
- રૂપાણી પરિવાર તરફથી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું: ઋષભ રૂપાણી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ‘આ દુઃખની ઘડીમાં અમારા રૂપાણી પરિવાર તરફથી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ ફક્ત અમારા પરિવાર માટે જ નહીં, પરંતુ 278 પરિવારો માટે અત્યંત દુઃખદ સમય છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમામ આત્માઓને મોક્ષ મળે.’
રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, “‘હું તમામ આરોગ્ય સ્ટાફ, સિવિલ ડિફેન્સ, પોલીસ દળ, અને RSS કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ સમયમાં જે રાહત અને બચાવ કાર્ય થયા છે, તે ખરેખર પ્રશંસનીય છે.’
આ ઉપરાંત, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત સહયોગ આપનાર તમામ લોકોનો આભાર માનતા જણાવ્યું કે, ‘હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ લોકોનો તેમના સમર્થન બદલ દિલથી આભાર વ્યક્ત કરું છું.’
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં નિધન બાદ તેમની અંતિમવિધિ રાજકોટમાં કરાશે. DNA મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેમના પરિવારના સભ્યો ગાંધીનગરથી રાજકોટ પહોંચશે. આ સાથે રુપાણીના ઘરે રાજકોટમાં અંતિમ દર્શનની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે પુરષોત્તમ રૂપાલા ફરી એકવાર પૂર્વ સીએમ રૂપાણીના પરિજનોને સાંત્વના આપતા ગાંધીનગરમાં આવેલા તેમના બંગ્લે પહોંચ્યા હતા.