અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર ૧ ઓગસ્ટથી ૨૫% ટેરિફ અને પેનલ્ટી લાદ્યા બાદ તેમાં સતત વધારો કરવાની ધમકી આપી રહ્યા છે. તેમણે હવે ભારતના ફાર્મા સેક્ટરને ટાર્ગેટ કરતાં તેના પર ૫૦-૧૦૦% નહીં, પરંતુ ૨૫૦% ટેરિફ લાદવાની ધમકી આપી છે. જેની સીધી અસર આ સેક્ટર સાથે જોડાયેલી ભારતીય કંપનીઓ પર થવાની ભીતિ છે. ભારતીય ફાર્મા સેક્ટરનું સૌથી મોટુ માર્કેટ ગણાતા અમેરિકા દ્વારા આ ટેરિફ લાદવામાં આવે તો મોટું નુકસાન થવાની શક્યતા છે.
ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં અમેરિકામાં થતી ફાર્મા આયાત પર ઊંચો ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, હાલ તબક્કાવાર ટેરિફ લાગુ કરવામાં આવશે. પહેલાં ફાર્મા સેક્ટર પર ઓછો ટેરિફ લાદવામાં આશે. બાદમાં ૧૮ મહિનામાં સીધો ૧૫૦% સુધી વધારો થશે. ત્યારબાદ તેમાં ૨૫૦% સુધી વધારો કરવામાં આવશે. સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ પગલું લીધું છે. અમેરિકા દવાઓ અને અન્ય ફાર્મા પ્રોડક્ટ્સનો મોટો આયાતકાર છે.
ગયા વર્ષે ૨૦૨૪માં, આ ક્ષેત્રમાં અમેરિકન આયાત ૨૩૪ અબજ ડોલરે પહોંચી હતી. અમેરિકાના સૌથી મોટા સપ્લાયર્સમાં આયર્લેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, જર્મની, ઇટાલી, ચીન, બ્રિટન, જાપાન અને ભારતનો સમાવેશ થાય છે. ગયા વર્ષે, ભારતમાંથી આયાત કુલ યુએસ આયાતના ૬% રહી હતી, જેનું મૂલ્ય ૧૩ અબજ ડોલરથી વધુ હતું. ભારત તેની ફાર્મા પ્રોડક્ટ્સનો સૌથી મોટો હિસ્સો અમેરિકામાં નિકાસ કરે છે. ખાસ કરીને ત્યાં ભારતની જેનેરિક દવાઓની જોરદાર માંગ છે. આવી સ્થિતિમાં, ટ્રમ્પનો ટેરિફ આ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.