સામાન્ય રીતે પ્રમોટરો દ્વારા ઈક્વિટીસની ખરીદીને પોઝિટિવ ગણવામાં આવે છે પરંતુ તેમના દ્વારા વેચવાલી માટેના અનેક કારણો રહે છે. કંપનીનો દેવાબોજ હળવો કરવા, અન્ય સાહસોમાં રોકાણ કરવા અથવા તો ઊંચા મૂલ્યાંકનોનો લાભ લઈ નાણાં ઘરભેગા કરવાના હેતુ સાથે પ્રમોટરો પોતાના હોલ્ડિંગનું આંશિક વેચાણ કરતા હોય છે. લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ ધોરણનું પણ કંપનીઓએ પાલન કરવાનું રહે છે. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૭ના ત્રિમાસિકમાં પ્રમોટર હોલ્ડિંગ ૪૦.૧૯% રહ્યું હતું ત્યારબાદ વર્તમાન વર્ષના જૂનમાં ૪૦.૫૮% સૌથી નીચું હોલ્ડિંગ જોવા મળ્યું છે. છેલ્લા ૧૩ ત્રિમાસિક ગાળામાં પ્રમોટરોના હિસ્સામાં ૪.૫૫% જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે.
૩૧મી માર્ચ, ૨૦૨૨ના પ્રમોટરોનું હોલ્ડિંગ જે ૪૫.૧૩% હતું તે હાલમાં ઘટી ૪૦.૫૮% પર આવી ગયું છે. ખાનગી લિસ્ટેડ કંપનીઓમાં પ્રમોટરોનું શેરહોલ્ડિંગ વર્તમાન વર્ષના જૂન ત્રિમાસિકમાં ઘટી ૪૦.૫૮% સાથે આઠ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયું છે. જૂન ત્રિમાસિક ગાળામાં પ્રમોટરોએ રૂ.૫૪૭૩૦ કરોડના શેરોનું ઓફ્ફલોડિંગ કર્યું હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું. બીજી બાજુ ભારતીય ઈક્વિટીસમાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો વિદેશી સંસ્થાકીય રોકાણકારો કરતા ઊંચો જોવા મળી રહ્યો છે. દરમિયાન ખાનગી લિસ્ટેડ કંપનીઓમાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)નો હિસ્સો જૂન ત્રિમાસિકના અંતે વધી ૧૭.૮૨% સાથે ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચી ગયો છે.
માર્ચ ત્રિમાસિકમાં આ આંક ૧૭.૬૨% હતો. જૂન ત્રિમાસિકમાં ઘરેલું રોકાણકારોએ ભારતીય ઈક્વિટીસમાં નેટ રૂ.૧.૬૮ લાખ કરોડનું રોકાણ કર્યું છે. પ્રાપ્ત ડેટા પ્રમાણે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો વિદેશી સંસ્થાકીય રોકાણકારો કરતા વધી ગયો છે. એફઆઈઆઈનો હિસ્સો જે માર્ચ ત્રિમાસિકમાં ૧૭.૨૨% હતો તે જૂન ત્રિમાસિક ગાળામાં ઘટી ૧૭.૦૪% સાથે ૧૩ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. જૂન ત્રિમાસિકમાં વિદેશી રોકાણકારોએ રૂ.૩૮૬૭૪ કરોડની નેટ ઠાલવણી કરી હતી. ભારતના સૌથી મોટા સંસ્થાકીય રોકાણકાર એલઆઈસીના ઈક્વિટી હોલ્ડિંગમાં સાધારણ ઘટાડો થયાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ૨૮૫ જેટલી કંપનીઓ જેમાં એલઆઈસી ૧% કરતા વધુ શેરહોલ્ડિંગ ધરાવે છે તેમાં તેનો હિસ્સો જૂન ત્રિમાસિક ગાળામાં ઘટી ૩.૬૮% પર આવી ગયો છે જે માર્ચ ત્રિમાસિકના અંતે ૩.૭૨% રહ્યો હતો.