ભારતના માલસામાન પર અમેરિકાએ ૨૫% ડયૂટી લાગુ કરી છે જેનો અમલ સાત ઓગસ્ટથી થનાર છે. આ ઉપરાંત ભારતને પેનલ્ટી લગાડવાની પણ જાહેરાત કરાઈ છે, પરંતુ તેની રૂપરેખા હજુ સ્પષ્ટ થઈ નથી. ભારતના માલસામાનની અમેરિકામાં નિકાસમાં ઘટાડાથી દેશને ઉત્પાદન ક્ષેત્રનું મથક બનાવવાની ભારતની તકો ઘટી જશે પરંતુ દેશની ઘરઆંગણેની માગ બહારી દબાણો સામે ભારતને ટકાવી રાખશે એમ રેટિંગ એજન્સી મૂડી’સના એક રિપોર્ટમાં જણાવાયું છે. એપીએસી (એશિયા-પેસિફિક)માંના મોટા નિકાસકાર દેશોની સરખામણીએ ભારત સામેના ટેરિફ દર ઊંચા છે.
એપીએસીમાં આ દર ૧૫થી ૨૦% છે. વિશ્વના મોટા અર્થતંત્રમાં માલસામાનના વેચાણમાં ઘટાડાથી ઈલેકટ્રોનિકસ જેવા મૂલ્ય વર્ધિત ક્ષેત્રોમાં ઉત્પાદન મથક બની રહેવાની ભારતની યોજનાને ફટકો પડશે એમ મૂડી’સના રિપોર્ટમાં જણાવાયું છે. ભારત જે ચીનનો બજાર હિસ્સો મેળવવાની અપેક્ષા રાખતુ હતું તે પણ ઊંચા ટેરિફને કારણે સફળ નહીં થાય. ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં દ્વીપક્ષી વેપાર કરાર માટે વાટાઘાટો થઈ રહી છે.
અમેરિકા ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર દેશ છે અને ૨૦૨૪માં ભારતની માલસામાનની નિકાસમાંથી ૧૮% નિકાસ અમેરિકામાં થઈ હતી. ગત નાણાં વર્ષમાં અમેરિકા ખાતે ભારતે ૮૬ અબજ ડોલરના માલસામાનની નિકાસ કરી હતી. એપીએસીના અન્ય દેશોની સરખામણીએ ભારતનું અર્થતંત્ર નિકાસ પર ઓછું નિર્ભર હોવાથી આ બહારી દબાણ સામે ઘરેલુ માગ સ્થિતિસ્થાપક જળવાઈ રહેશે. આ ઉપરાંત, ભારતના સેવા ક્ષેત્રનું સાનુકૂળ આઉટલુક અકબંધ છે કારણ કે અમેરિકા સાથેની વાટાઘાટમાં સેવાની નિકાસ સંદર્ભમાં કોઈ વિવાદનો મુદ્દો જણાતો નથી.