અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીને ધ્યાનમાં લેતાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની પૂર્ણ થયેલી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો ૫.૫%ના દરે યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, વર્તમાન મેક્રોઈકોનોમિક સ્થિતિ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લેતાં રેપો રેટ ૫.૫%ના દરે જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. લોનધારકો અને વ્યાપક અર્થતંત્રે રેટ કટ માટે વધુ રાહ જોવી પડશે. ગવર્નરે ઉમેર્યું કે મધ્યમ ગાળામાં, બદલાતી વિશ્વ વ્યવસ્થા વચ્ચે ભારતીય અર્થતંત્ર તેની વારસાગત શક્તિ, મજબૂત મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત ઉજ્જવળ સંભાવનાઓ ધરાવે છે.
છેલ્લી ત્રણ એમપીસી બેઠકમાં રેપો રેટ ઘટાડ્યા બાદ આરબીઆઈએ આ વખતે રેપો રેટ જાળવી રાખતાં લોનધારકો અને ડિપોઝિટર્સને રાહત આપી છે. તેથી તહેવારોની શરૂ થઈ રહેલી સીઝનમાં વપરાશમાં વૃદ્ધિ થવાની સાથે આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવશે. ઉલ્લેખનીય છે, ફેબ્રુઆરી થી જૂન માસ દરમિયાન આરબીઆઈએ રેપો રેટમાં ૧૦૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. ટ્રમ્પે હાલમાં જ ભારત પર ૨૫%નો ટેરિફ ઝીંકી તેમાં વધારો કરવાની ચીમકી આપી છે. તે રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર અનેક પ્રતિબંધો લાદી દબાણ લાવવા પ્રયાસ કરી રહ્યા છે. પરિણામે આરબીઆઈએ ‘વેઈટ એન્ડ વોચ’ની નીતિ અપનાવી છે.
આરબીઆઈએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે જીડીપી ગ્રોથ અંદાજ ૬.૫% જાળવી રાખ્યો હતો. સીપીઆઈ ફુગાવો અગાઉના અંદાજિત ૩.૭%થી ઘટાડી ૩.૧% કરવામાં આવ્યો હતો. એમપીસી પેનલે નોંધ્યું છે કે નજીકના ગાળામાં ફુગાવાનો અંદાજ અપેક્ષા કરતા વધુ રાહત આપનારો બન્યો છે અને આ વર્ષે ખાદ્ય ચીજોમાં મોંઘવારી ઘટતાં સરેરાશ સીપીઆઈ ફુગાવો લક્ષ્ય કરતાં નોંધપાત્ર રીતે નીચો રહેવાની અપેક્ષા છે. જો કે, સીપીઆઈ ફુગાવો ચોથા ત્રિમાસિકથી ૪%ના લક્ષ્યથી વધવાની શક્યતા છે. હોમ લોન અને ઓટો લોનધારકોને વ્યાજના દર યથાવત રાખવાનો લાભ થયો છે. રેપો રેટમાં આરબીઆઈએ અગાઉ ૧૦૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હોવાથી નીચા ધિરાણ દરો પર લોન મેળવી રહ્યા છે. જેથી તહેવારોમાં ખિસ્સા પર કોઈ વધારાનો બોજો પડશે નહીં.