ભારતની સેવા ક્ષેત્રની કંપનીઓને કેનેડા, યુએઈ, યુરોપ, અમેરિકા તથા એશિયામાંથી ઓર્ડરોમાં વધારો થતા જુલાઈ માસમાં દેશની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂતાઈ જોવા મળી હતી. સેવા માટે મજબૂત એડવર્ટાઈઝ, નવા કલાયન્ટસનો ઉમેરો તથા જોરદાર માંગને કારણે પીએમઆઈમાં વધારો જોવા મળ્યો છે. જૂનમાં ૬૦.૪૦ની સરખામણીએ જુલાઈનો એચએસબીસી ઈન્ડિયા સર્વિસીસ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસ (પીએમઆઈ) વધી ૬૦.૫૦ સાથે ૧૧ મહિનાની ટોચે રહ્યો છે. નિકાસ ઓર્ડરોમાં પણ વધારો થયો છે. સેવા ક્ષેત્રમાં વીમા તથા નાણાંકીય વેપારમાં સારી માંગ જોવા મળી હતી જ્યારે રિઅલ એસ્ટેટ તથા અન્ય સેવાઓમાં નવા ઓર્ડર મંદ રહ્યા હતા. મજબૂત ઓર્ડર બુક છતાં, રોજગાર વૃદ્ધિ ૧૫ મહિનાની નીચી સપાટીએ રહી હતી.
સર્વેમાં ભાગ લેનારી કંપનીઓમાંથી ૨%થી પણ ઓછી કંપનીઓએ કર્મચારીઓની ભરતી કરી હતી. કાચામાલ તથા સેવા પૂરી પાડવાના દરમાં જૂનની સરખામણીએ ઝડપી વધારો થયો છે. ખાધ્ય પદાર્થ, નૂર દર તથા શ્રમિક પાછળના ખર્ચમાં વધારો થયો છે. આ અગાઉ જાહેર થયેલા ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૧૬ મહિનાની ટોચે રહ્યો હતો. સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો સંયુકત પીએમઆઈ જે જૂનમાં ૬૧.૦ હતો તે જુલાઈમાં વધી ૬૧.૧૦ રહ્યો છે, જે એપ્રિલ, ૨૦૨૪ બાદ સૌથી ઊંચો છે. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે.