જુલાઈ ૨૦૨૫માં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં રોકાણકારોના વિશ્વાસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના આંકડા મુજબ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં નેટ રોકાણ પ્રવાહ ૮૧% વધીને રૂ. ૪૨,૭૦૨ કરોડ થયો છે. આ વધારો મુખ્યત્વે ફ્લેક્સી કેપ અને થીમેટિક ફંડોમાં મોટા પ્રમાણમાં થયેલા રોકાણના કારણે નોંધાયો છે. જૂનમાં રૂ. ૭૪.૪૧ લાખ કરોડ રહેલું એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) જુલાઈમાં વધીને રૂ.૭૫.૩૫ લાખ કરોડના નવા વિક્રમી શિખરે પહોંચી ગયું છે.
ઈક્વિટી સેગમેન્ટમાં સતત ૫૩મા મહિને નેટ રોકાણ નોંધાયું છે. સેગમેન્ટવાર જોવામાં આવે તો થીમેટિક ફંડોમાં રૂ. ૯,૪૨૬ કરોડ, ફ્લેક્સી કેપ ફંડોમાં રૂ. ૭,૬૫૪ કરોડ, સ્મોલ કેપ ફંડોમાં રૂ. ૬,૪૮૪ કરોડ, મિડ કેપ ફંડોમાં રૂ. ૫,૧૮૨ કરોડ, લાર્જ એન્ડ મિડ કેપ ફંડોમાં રૂ. ૫,૦૩૫ કરોડ અને લાર્જ કેપ ફંડોમાં રૂ. ૨,૧૨૫ કરોડનું રોકાણ પ્રવાહ નોંધાયો છે.
સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) મારફતે થયેલું રોકાણ પણ જુલાઈમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. એસઆઈપી ઇન્વેસ્ટમેન્ટ ૪ ટકા વધીને રૂ. ૨૮,૪૬૪ કરોડ થયું છે, જે જૂનમાં રૂ.૨૭,૨૬૯ કરોડ હતું. એસઆઈપી એકાઉન્ટની સંખ્યા ૯.૧૯ કરોડથી વધીને ૯.૪૫ કરોડ થઈ છે, જેમાં ૬૮.૬૯ લાખ નવા રજીસ્ટ્રેશન થયા છે અને ૪૩.૦૪ લાખ એકાઉન્ટ બંધ થયા છે અથવા પૂર્ણ થયા છે.
જુલાઈમાં કુલ ૩૦ ઓપન-એન્ડેડ સ્કીમો લોન્ચ થઈ, જેમાંથી ફંડોએ રૂ. ૩૦,૪૧૬ કરોડ ઊભા કર્યાં છે. વિદેશી ફંડની જાવક અને ડોલરની મજબૂતી હોવા છતાં, રિટેલ હિસ્સેદારીમાં વધારો નોંધાયો છે અને કુલ મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો ૨૪.૧૩ કરોડથી વધીને ૨૪.૫૭ કરોડ થયો છે.