મૂડીઝ ક્રેડિટ રેટિંગ એજન્સીએ ચેતવણી આપી છે કે જો અમેરિકા અને ભારત વચ્ચેનો વર્તમાન વેપાર વિવાદ ઉકેલાશે નહીં, તો વૈશ્વિક સપ્લાય ચેઇન આકર્ષવામાં ભારતે હાંસલ કરેલી તાજેતરની સિદ્ધિઓ પર પાણી ફરી વળશે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતીય આયાત પર ૫૦% ટેરિફ લગાડ્યો છે, જે વિયેતનામ, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ જેવા પ્રાદેશિક દેશો પર લાગુ થયેલા ૧૫% – ૨૦% ટેરિફ કરતા ઘણો વધારે છે. મૂડીઝના મતે આ ઊંચો ટેરિફ તફાવત ભારતની વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનવાની મહત્વાકાંક્ષાઓને નુકસાન પહોંચાડશે અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ જેવા હાઇ-વેલ્યુ ઉત્પાદનમાં તેની સ્પર્ધાત્મકતા ઓછી કરશે.
ભારત દક્ષિણ એશિયામાં અમેરિકાનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે અને આ ટેરિફ વધારાનો સીધો અસર ‘મેક ઇન ઇન્ડિયા’ અને સપ્લાય ચેઇન વૈવિધ્યકરણના કેન્દ્રમાં રહેલા ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ અને મશીનરી જેવા ક્ષેત્રો પર પડશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે ચીનના વિકલ્પ તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે પ્રોત્સાહન યોજનાઓ શરૂ કરી, માળખાગત સુવિધાઓ સુધારી અને હાઇ-ટેક ક્ષેત્રોમાં રોકાણ પ્રોત્સાહિત કર્યું છે, જેના પરિણામે અનેક કંપનીઓએ પોતાની સપ્લાય ચેઇનનો ભાગ ભારતમાં ખસેડવાનું શરૂ કર્યું હતું. પરંતુ મૂડીઝે ચેતવણી આપી છે કે ૫૦% ટેરિફથી ભારતીય નિકાસ યુએસ બજારમાં ઓછી સ્પર્ધાત્મક બનશે અને વિદેશી રોકાણકારો માટે ભારતનું આકર્ષણ ઘટી શકે છે.
ઉર્જા ક્ષેત્ર પર પણ આ વિવાદની અસર પડી શકે છે. જો ભારત યુએસ દંડથી બચવા માટે રશિયન તેલની આયાત ઘટાડશે, તો તેલ પુરવઠામાં ઘટાડો થશે અને કિંમતો વધશે. ઊંચા ઊર્જા ખર્ચને કારણે ઊર્જા-સઘન ઉદ્યોગો પર દબાણ વધશે અને ફુગાવો તેજી પકડી શકે છે. હાલ ટેરિફ અમલમાં આવવા માટે ૨૧ દિવસ બાકી છે, જેથી સંભવિત વાટાઘાટો માટે હજુ સમય છે. મૂડીઝનું કહેવું છે કે કરાર થવાની શક્યતા છે, પરંતુ જો અનિશ્ચિતતા લાંબા સમય સુધી ચાલે તો તે રોકાણના નિર્ણયો પર નકારાત્મક અસર કરશે અને પરિસ્થિતિ વધુ વણસે તો ભારતના ઉત્પાદન ક્ષેત્ર અંગે રોકાણકારોના વિશ્વાસમાં ઘટાડો થશે.