ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટોમાં કૃષિ એક મુખ્ય અવરોધ રહ્યો છે. પરંતુ ઘણા લોકો કદાચ જાણતા ન હોય તે એ છે કે બંને દેશો વચ્ચે સમાન ક્ષેત્રમાં વેપાર ખરેખર ઝડપથી વધી રહ્યો છે અને આ વર્ષે નવો રેકોર્ડ બનાવી શકે છે. વર્ષ ૨૦૨૫માં જાન્યુઆરીથી જૂનના સમયગાળા દરમિયાન, ભારતે યુએસથી ૧૬૯૩.૨ મિલિયન ડોલર મૂલ્યના કૃષિ ઉત્પાદનોની આયાત કરી હતી, જે ૨૦૨૪માં સમાન સમયગાળા દરમિયાન ખરીદેલા (૧૧૩૫.૮ મિલિયન ડોલર) કરતા લગભગ ૪૯.૧% વધુ છે. તે જ સમયે, ભારતની અમેરિકામાં કૃષિ નિકાસ પણ ૨૪.૧% વધીને ૨૦૨૪ની શરૂઆતમાં ૨૭૯૮.૯ મિલિયન ડોલરથી ૨૦૨૫ ની શરૂઆતમાં ૩૪૭૨.૭ મિલિયન ડોલર થઈ ગઈ હતી.
ટ્રમ્પે ભારતીય માલ પર આયાત ટેરિફ બમણી કરીને ૫૦% કરી દીધો છે. જ્યારે સંપૂર્ણ અસર હજુ જોવા મળી નથી, પ્રારંભિક સંકેતો દર્શાવે છે કે બંને દેશો વચ્ચેનો કૃષિ વેપાર હજુ પણ રેકોર્ડ ઊંચાઈએ પહોંચવાના માર્ગ પર છે. જો આ વૃદ્ધિ ચાલુ રહેશે, તો આ વર્ષે ભારતની અમેરિકામાં કૃષિ નિકાસ ૭.૭ બિલિયન ડોલરને વટાવી શકે છે. બીજી તરફ ૨૦૨૫માં અમેરિકા ભારતમાં ૩.૫ બિલિયન ડોલરથી વધુ મૂલ્યના કૃષિ માલની નિકાસ કરી શકે છે. ભારતમાં અમેરિકાની સૌથી મોટી કૃષિ નિકાસ મુખ્યત્વે બદામ અને પિસ્તા છે. ૨૦૨૪માં જે ૧.૧ બિલિયન ડોલરથી વધુ મૂલ્યના હતા અને ૨૦૨૫ના પહેલા છ માસમાં તેમાં ૪૨.૮%નો વધારો થયો છે.
અન્ય મુખ્ય વસ્તુઓમાં ઇથેનોલ, સોયાબીન તેલ અને કપાસનો સમાવેશ થાય છે. ગયા વર્ષે ૪૨૦ મિલિયન ડોલરથી વધુ મૂલ્યના ઇથેનોલ ભારતમાં મોકલવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગે દવાઓ અને રસાયણો જેવા ઔદ્યોગિક ઉત્પાદનો બનાવવા માટે હતા. અમેરિકા ઇચ્છે છે કે ભારત ઇંધણના મિશ્રણ માટે ઇથેનોલની આયાતને પણ મંજૂરી આપે, પરંતુ ભારત સંમત થયું નથી. ભારત આનુવંશિક રીતે સુધારેલા મકાઈ અને સોયાબીનની આયાત કરવાનો પણ ઇનકાર કરી રહ્યું છે, જે અમેરિકા નિકાસ કરવા માંગે છે.