યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર કુલ ૫૦% ડ્યૂટી લાદવાની જાહેરાત દેશના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) માટે મોટો આંચકો બની શકે છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આ પગલાથી ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ દરમાં ૩૫ થી ૬૦ બેસિસ પોઇન્ટનો ઘટાડો થઈ શકે છે. સ્થાનિક વપરાશમાં વધારો ચોક્કસપણે અર્થતંત્રને થોડી રાહત આપશે, પરંતુ આ ઊંચી ડ્યૂટીનો આર્થિક પ્રભાવ ટાળવા માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા પડશે. એચડીએફસી બેંકના મુખ્ય અર્થશાસ્ત્રીએ જણાવ્યું કે જો ૫૦% ડ્યૂટી લાગુ થશે, તો ૬.૩% વૃદ્ધિનો હાલનો અંદાજ ૪૦ થી ૬૦ બેસિસ પોઇન્ટ ઘટી શકે છે. તેમની મતે ટ્રમ્પ ડ્યૂટીની અસર ચીન પર લાદવામાં આવેલી ડ્યૂટી, રૂપિયાના અવમૂલ્યનની ગતિ અને સ્થાનિક અર્થતંત્રમાં સુધારા સહિતના પરિબળો પર નિર્ભર રહેશે.
મોર્ગન સ્ટેનલી રિસર્ચના વિશ્લેષણ અનુસાર, જો તમામ માલની નિકાસ પર ૫૦% ડ્યૂટી લાગુ થશે, તો તેની સીધી અસર ૬૦ બેસિસ પોઇન્ટની રહેશે, જ્યારે આગામી ૧૨ મહિનામાં પરોક્ષ અસર પણ લગભગ એટલી જ હશે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં ભારતની અમેરિકામાં કુલ નિકાસ ૮૬.૫ અબજ ડોલર હતી, જે જીડીપીના ૨.૨% છે. ઘણા અર્થશાસ્ત્રીઓને આશા છે કે આ ટેરિફ લાંબા સમય સુધી ટકશે નહીં અને ૨૧ દિવસની અંદર બંને દેશો વચ્ચે કરાર થઈ શકે છે. છતાં વર્તમાન પરિસ્થિતિમાં જીડીપી વૃદ્ધિ ધીમી રહેવાની સંભાવના છે. યુબીએસ સિક્યોરિટીઝના મુખ્ય અર્થશાસ્ત્રીએ કહ્યું કે ટ્રમ્પ ટેરિફનો પ્રભાવ માત્ર જીડીપી વૃદ્ધિ પર જ નહીં, પણ કોર્પોરેટ આવક, લોનની માંગ અને રાજકોષીય ખાતાના સંતુલન પર પણ પડશે.
જો વર્તમાન ૫૦% વેપાર ડ્યૂટી યથાવત રહેશે, તો નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ચાલુ ખાતાની ખાધનો અંદાજ પણ બગડી શકે છે. હાલ તે જીડીપીના ૦.૮% છે, જે ૫૦ બેસિસ પોઇન્ટ સુધી વધી શકે છે. ચલણની દૃષ્ટિએ મૂડી પ્રવાહને સૌથી મહત્વપૂર્ણ પરિબળ માનવામાં આવી રહ્યું છે. બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રીએ ચેતવણી આપી કે જો કોઈ કરાર નહીં થાય અને નિકાસકારો માટે સહાય પેકેજ નહીં મળે, તો ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ દર ૪૦ બેસિસ પોઇન્ટ ઘટી શકે છે. ગોલ્ડમેન સક્સના એક રિપોર્ટમાં પણ અંદાજ લગાવવામાં આવ્યો છે કે જો આ નવી વધારાની ડ્યૂટી લાગુ થઈ જશે, તો કેલેન્ડર વર્ષ માટે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૦.૬% સુધી ઘટી શકે છે.