વર્તમાન વર્ષના ૨૫ જુલાઈના સમાપ્ત થયેલા પખવાડિયામાં દેશના બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણમાં વાર્ષિક ધોરણે ૧૦ ટકા જ્યારે થાપણમાં ૧૦.૨૦ ટકા વૃદ્ધિ થયાનું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેટા જણાવે છે. મંદ કોર્પોરેટ માગને પરિણામે ધિરાણ વૃદ્ધિ ધીમી જોવા મળી રહી છે. વર્તમાન નાણાં વર્ષમાં અત્યાર સુધીની વાત કરીએ તો ધિરાણમાં ૧.૪૦ ટકા અને થાપણમાં ૩.૪૦ ટકા વૃદ્ધિ જોવા મળી છે જે ગયા નાણાં વર્ષના ૨૫ જુલાઈ સુધીમાં અનુક્રમે ૨.૩૦ ટકા અને ૩.૫૦ ટકા રહી હતી.
કંપનીઓ તરફથી બેન્કિગ ક્ષેત્રમાં નીચા ધિરાણ ઉપાડને પરિણામે વર્તમાન નાણાં વર્ષમાં ધિરાણ વૃદ્ધિ મંદ જોવા મળી રહી છે. કંપનીઓ પોતાના ભંડોળની આવશ્યકતા માટે નીચા વ્યાજ દર સાથેના નાણાંકીય સાધનો જેમ કે બોન્ડસ તથા કમર્સિઅલ પેપર્સનો ઉપયોગ કરી રહી છે. ગત નાણાં વર્ષમાં નોન-ફૂડ બેન્ક ધિરાણનો પ્રવાહ રૂપિયા ૩.૪૦ લાખ કરોડ ઘટી રૂપિયા ૧૮ લાખ કરોડ રહ્યો છે. આ ઘટાડાને નોન-બેન્ક ધિરાણ સ્રોતોએ ભરપાઈ કર્યો હતો, એમ રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.
રિટેલ લોનમાં હાઉસિંગ લોનમાં અપેક્ષા પ્રમાણે વધારો જોવા મળતો નહીં હોવાનું પણ જણાવાયું હતું. વર્તમાન વર્ષમાં રેપો રેટમાં એક ટકો ઘટાડો કરાયો હોવાને કારણે હાઉસિંગ લોનની માગ વધશે તેવી ધારણાં રખાતી હતી. ગત નાણાં વર્ષમાં હાઉસિંગ લોન ૨.૭૦ ટકા વધી રૂપિયા ૧૦.૭૦ લાખ કરોડ રહી હતી. રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટ ઘટાડાતા થાપણ દરમાં પણ ઘટાડો થયો છે જેને પરિણામે બચતકારો ઊંચા વળતર મેળવવા બચતના અન્ય સાધનોમાં નાણાં રોકી રહ્યા હોવાનું બેન્કિંગ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું.