અમેરિકામાં અપેક્ષા કરતા નબળા ફુગાવાના આંકડાઓને કારણે વ્યાજ દરમાં ઘટાડાની શક્યતાઓ મજબૂત બની છે, સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ક્રિપ્ટોકરન્સી માટે સાનુકૂળ નીતિઓની જાહેરાતથી રોકાણકારોનું માનસ સુધર્યું છે. આ પરિબળો વચ્ચે મુખ્ય ક્રિપ્ટો બિટકોઈને છેલ્લા 24 કલાકમાં તેજી દર્શાવી 1,24,150 ડોલરની નવી ઓલ-ટાઈમ હાઈ સપાટી બનાવી છે. અગાઉનો રેકોર્ડ 1,23,205 ડોલર હતો. બિટકોઈનની ગુરુવારની રેલીને પગલે તેનું માર્કેટ કેપ 2.43 ટ્રિલિયન ડોલર સુધી પહોંચ્યું, જે ગુગલની 2.40 ટ્રિલિયન ડોલર માર્કેટ કેપને પાર કરી ગયું છે. આ સાથે જ બિટકોઈન વિશ્વની પાંચમી સૌથી મોટી એસેટ બની ગયો છે.
કોર્પોરેટ્સ, સંસ્થાકીય રોકાણકારો અને સોવેરિન ફંડ્સ તરફથી વધતી ખરીદી બિટકોઈનના ભાવને ટેકો આપી રહી છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ડિજિટલ એસેટ્સ પરના પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવી છે, જેના કારણે બેન્કો અને ક્રિપ્ટો કંપનીઓ વચ્ચે સહકાર વધવાની શક્યતા વધી છે. ટ્રમ્પના મીડિયા ગ્રુપ તથા ટેસ્લા જેવી મોટી કંપનીઓની ખરીદી પણ રેલીને મજબૂત બનાવી રહી છે. બજાર વિશ્લેષકો મુજબ, જુલાઈમાં અમેરિકાનો ફુગાવો અપેક્ષા કરતાં ઓછો રહેતા સપ્ટેમ્બરમાં ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે, જેનાથી જોખમી એસેટ્સમાં નાણાંનો પ્રવાહ વધશે. છેલ્લા 24 કલાકમાં બિટકોઈન 1,19,993 ડોલર નીચી અને 1,24,153 ડોલર ઊંચી સપાટીએ ટ્રેડ થયું, જ્યારે સાંજ સુધી તે 1,21,656 ડોલરે હતો.
અન્ય ક્રિપ્ટોમાં પણ તેજી જોવા મળી હતી. ઇથેરિયમ 1% ઉછળીને 4,746 ડોલર પર પહોંચ્યું, જ્યારે બિનાન્સ અને સોલાનામાં પણ રોકાણકારોનું આકર્ષણ રહ્યું. અમેરિકાના મૂડીબજારની તેજી ક્રિપ્ટો માર્કેટને વધારાનો ટેકો આપી રહી છે. એકંદર ક્રિપ્ટોકરન્સી માર્કેટ કેપ 4.15 ટ્રિલિયન ડોલરથી ઉપર પહોંચી ગયો છે. વર્તમાન વર્ષમાં અત્યાર સુધી બિટકોઈને રોકાણકારોને લગભગ 32% વળતર પૂરું પાડ્યું છે.