જુલાઈ ૨૦૨૫માં તહેવારોની સીઝન પહેલાં જ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં બમ્પર વધારો નોંધાયો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન (ફાડા)ના આંકડા મુજબ, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જુલાઈમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોના વેચાણમાં ૯૩%નો ઉછાળો નોંધાયો છે. જુલાઈ ૨૦૨૫માં કુલ ૧૫,૫૨૮ ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનો વેચાયા હતા, જ્યારે ગત વર્ષે આ જ મહિનામાં વેચાણનો આંકડો ૮,૦૩૭ હતો. ટાટા મોટર્સે આ સેગમેન્ટમાં પ્રભુત્વ જાળવી રાખ્યું છે અને ૬,૦૪૭ યુનિટનું વેચાણ કરીને વાર્ષિક ધોરણે ૧૯%ની વૃદ્ધિ નોંધાવી છે.
પેસેન્જર ઇવી સેગમેન્ટે રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યા છતાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં થોડો ઘટાડો નોંધાયો છે. જુલાઈમાં આ કેટેગરીનું વેચાણ ૪% ઘટીને ૧,૦૨,૯૭૩ યુનિટ રહ્યું, જ્યારે ગત વર્ષે આ જ મહિનામાં ૧,૦૭,૬૫૫ યુનિટનું વેચાણ થયું હતું. તેમ છતાં ટીવીએસ મોટર કંપનીએ મજબૂત સ્થિતિ જાળવી રાખી છે અને ૨૨,૨૫૬ યુનિટનું વેચાણ કરીને ૧૩%ની વૃદ્ધિ નોંધાવી છે.
ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર માર્કેટમાં જુલાઈ ૨૦૨૫માં ૯%ની વૃદ્ધિ સાથે કુલ ૬૯,૧૪૬ યુનિટ નોંધાયા છે. આ સેગમેન્ટમાં મહિન્દ્રા ગ્રુપે આગવી છાપ છોડી છે અને ૯,૭૬૬ યુનિટનું વેચાણ કરીને વાર્ષિક ધોરણે ૪૦%નો ઉછાળો નોંધાવ્યો છે. ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહન કેટેગરીમાં પણ તેજી જોવા મળી છે અને વાર્ષિક ધોરણે ૫૨%ની વૃદ્ધિ સાથે જુલાઈમાં ૧,૨૪૪ યુનિટનું વેચાણ થયું છે. આ આંકડા ફક્ત ઓટો ઉદ્યોગ માટે જ નહીં પરંતુ ગ્રીન મોબિલિટીના ભવિષ્ય માટે પણ મહત્વનો સંકેત આપે છે, તેમજ તહેવારોની સીઝનમાં આ વૃદ્ધિ વધુ તેજ બનવાની શક્યતા છે.