યુએસ દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી ઉભા થયેલા પડકારો આગામી એકથી બે ક્વાર્ટરમાં ધીમા પડી જશે, પરંતુ ભારતે લાંબા ગાળાના વ્યૂહાત્મક પડકારો પર વધુ ધ્યાન આપવું જોઈએ, એવું સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરનનું કહેવું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ખાનગી ક્ષેત્રે હવે વધુ સક્રિયતા દાખવીને દેશને ભવિષ્યના મુખ્ય પ્રશ્નો માટે તૈયાર થવું પડશે.
નાણાકીય વર્ષ 2025માં આર્થિક વૃદ્ધિ 9.2%થી ઘટીને 6.5% પર આવી છે, જેનું મુખ્ય કારણ કડક ક્રેડિટ પરિસ્થિતિ અને પ્રવાહિતાની અછત છે. જો કૃષિ ક્ષેત્રમાં યોગ્ય નીતિઓ અપનાવવામાં આવે તો તે વાસ્તવિક GDP વૃદ્ધિમાં 25% સુધીનું યોગદાન આપી શકે છે. જોકે, ઝવેરાત, ઝીંગા અને કાપડ જેવા નિકાસ આધારિત ક્ષેત્રોને અમેરિકા દ્વારા 50% ટેરિફનો પહેલો ફટકો લાગી ચૂક્યો છે, અને હવે બીજા તથા ત્રીજા સ્તરના પ્રભાવ વધુ પડકારજનક રહેશે.
નાગેશ્વરનના મત મુજબ, વર્તમાન પરિસ્થિતિ એક-બે ક્વાર્ટરમાં સામાન્ય થઈ જશે, પરંતુ ટૂંકા ગાળાના પડકારોને ધ્યાનમાં લેતા સરકાર નીતિગત જાહેરાતો પર કામ કરી રહી છે. તેમણે આગ્રહ કર્યો કે ભારતે ફક્ત ટેરિફ પર નહીં, પરંતુ કૃત્રિમ બુદ્ધિ (AI), આવશ્યક ખનિજોનો પુરવઠો અને વૈશ્વિક સપ્લાય ચેઇન મજબૂત કરવાની લાંબા ગાળાની વ્યૂહરચના પર ભાર આપવો જોઈએ.
AIના વધતા ઉપયોગથી કામદારોના વિસ્થાપનનો ખતરો છે, તેથી ભારતે નક્કી કરવું પડશે કે કયા ક્ષેત્રોમાં અને કઈ ગતિએ AIનો અમલ કરવો. આગામી 10-12 વર્ષમાં દર વર્ષે ઓછામાં ઓછી 80 લાખ નવી નોકરીઓ ઊભી કરવાની જરૂર પડશે, તેમ તેમણે જણાવ્યું. સાથે સાથે યુવા પેઢીમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જેવી સમસ્યાઓ – વધુ પડતો સ્ક્રીન સમય, પ્રોસેસ્ડ ફૂડનો વધતો વપરાશ અને ચિંતાનો સ્તર – ચિંતાજનક છે.
ખાનગી મૂડી ખર્ચ અંગે તેમણે કહ્યું કે ફેબ્રુઆરી 2026ના આંકડા વધુ સ્પષ્ટતા કરશે, જ્યારે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ડેટા ગ્રાહક માંગને હાલ સ્વસ્થ દર્શાવે છે. તેમ છતાં, શહેરી સેવાઓના વપરાશ અંગે વિશ્વસનીય ડેટાની અછત છે અને લિસ્ટેડ કંપનીઓના અહેવાલો પૂરતા પ્રતિનિધિત્વ આપી શકતા નથી, કારણ કે વપરાશ અનલિસ્ટેડ ક્ષેત્ર તરફ સ્થળાંતરિત થઈ રહ્યો છે.