પેટ્રોલમાં ઈથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામનો બચાવ કરીને ઈન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેકચરર્સ એસોસિએશને (ઈસ્મા) આ બ્લેન્ડિંગથી વાહનના એન્જિનને નુકસાન થતુ હોવાના દાવાને ગેરમાર્ગે દોરનારો ગણાવ્યો હતો. જારી કરેલા એક નિવેદનમાં ઈસ્માએ જણાવ્યું હતું કે, ઈ૨૦ બ્લેન્ડ જે પેટ્રોલમાં વીસ ટકા ઈથેનોલ મિકસ છે તેની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આ અગાઉ જ ચકાસણી કરી લેવાઈ છે અને ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ તે ભારતના વાહનો સાથે સંપૂર્ણ રીતે સાનુકૂળ હોવાનું પ્રમાણપત્ર પણ આપ્યું છે.
ઈથેનોલ મિશ્રણ સાથેનું ઈંધણ માત્ર ટેકનોલોજિકલ પસંદગી નથી પરંતુ તે રાષ્ટ્રીય આવશ્યકતા બની ગઈ છે. ઈથેનોલના પેટ્રોલમાં મિશ્રણથી દેશના ખેડૂતોને લાભ થઈ રહ્યો છે. ઓટો ઉત્પાદકો પણ ઈ૨૦ સુસંગત મોડેલોનું જ ઉત્પાદન કરી રહ્યા છે. બ્રાઝિલમાં ઈ૨૦થી ઈ૧૦૦નો દાયકાઓથી વપરાશ થઈ રહ્યો છે અને તે પણ કોઈપણ જાતની ફરિયાદ વગર. દક્ષિણ અમેરિકામાં હાલમાં પેટ્રોલમાં ૨૭ ટકા ઈથેનોલ મિકસ કરવામાં આવે છે અને ૨૦૩૦ સુધીમાં ૩૦ ટકા કરવાનો ટાર્ગેટ છે.
દેશમાં ઈંધણમાં ઈથેનોલના મિશ્રણને કારણે અર્થતંત્રને લાભ થઈ રહ્યો છે એટલું જ નહીં દેશના આયાત બિલમાં પણ ઘટાડો જોવા મળશે. પર્યાવરણની દ્રષ્ટિએ પણ તે સાનુકૂળ છે. બ્લેન્ડિંગને કારણે દેશના વિદેશી હૂંડિયામણમાં વાર્ષિક રૂપિયા ૩૫૦૦૦ કરોડથી રૂપિયા ૪૦,૦૦૦ કરોડની બચત થવાની અપેક્ષા છે. ઈથેનોલના વેચાણને કારણે દેશની ખાંડ મિલોની નાણાંકીય સ્થિતિમાં સુધાર થયો છે. ઈથેનોલ સંદર્ભમાં સોશ્યલ મીડિયા પર તાજેતરના નકારાત્મક પ્રચાર ગેરમાર્ગે દોરનારા છે, એમ પણ ઈસ્માએ તેના નિવેદનમાં જણાવ્યું છે.